Wednesday 24 April 2013

શ્રી હનુમાન જયંતિ




 હરિઓમ 

 ચૈત્ર સુદપૂર્ણિમા "શ્રી હનુમાનજી" નો જન્મ દિવસ .

"અશ્વત્થામા, બલિ, વ્યાસ, વિભીષણ, કૃપ, પરશુરામ  અને હનુમાન એ સાત ચિરંજીવીઓ છે ".

શ્રી હનુમાન ભારતીય હિંદુઓના હૃદયમાં રામ જેટલું જ આસ્થાયુકત અને આદરણીય સ્થાન ધરાવે છે . 

શંકરનું શિવાલય જેમ નંદી સિવાય હોતું નથી તેજ પ્રમાણે શ્રી રામના દેવાલયની પૂર્ણતા હનુમાનની મૂર્તિ સિવાય થતી નથી .

ભક્ત એટલે જે વિભક્ત (છૂટો) નથી તે . ભક્ત એટલે જોડાયેલો .

જે પ્રભુની સાથે જોડાયેલો છે. જેના હોઠો પર પ્રભુ રામનું "નામ" છે, જેનું હૃદય પ્રભુ રામનું "ધામ" છે અને જેના હાથોમાં પ્રભુ રામનું "કામ" છે એવા શ્રી હનુમાન સતત પ્રભુ રામ સાથે જોડાયેલ છે .

શૌર્ય, દક્ષતા, બળ, ધીરજ, વિદ્વત્તા, રાજનીતિનું સાધન અને પરાક્રમ પ્રભાવ આ ગુણો હનુમાનમાં વાસ કરી રહ્યા છે . આ ઉપરાંત આંતરિક છ શત્રુઓ કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર પર પણ તેમણે વિજય મેળવ્યો હતો . 

ભગવાન રામ જેવો ખજાનો "રામ રતન ધન" જેને પ્રાપ્ત થયો હોય તેને પછી દુન્યવી સુખ સંપત્તિનો લોભ ક્યાંથી રહે ? પોતે જે કઈ કર્યું છે તે રામની શક્તિને લીધે જ થયું છે એવી અંતઃકરણની ભાવના હોય ત્યાં મદ અને અભિમાન ક્યાંથી સંભવે ?

માટે જ શ્રી હનુમાન જયંતિ ઉજવાય છે કારણકે હનુમાનજીએ આંતરબાહ્ય શત્રુઓ પર "જય" મેળવ્યો છે . 

રામની સમીપ પહોંચવા, રામના દૂત હનુમાનને શરણે જવાની જરૂર છે . રામના વિશાળ હૃદયનું "દ્વાર" છે હનુમાન . રામ સુધી પહોંચવા માટે હનુમાન "સેતુ" સમાન છે .


"સેતુ"ના સહારા વગર રામરૂપી ધ્યેય સિદ્ધ કરી શકાય તેમ નથી . શ્રી રામના અમૂલ્ય જીવન ભંડારમાંના ગુણરત્નો  પામવા માટેની ચાવી છે હનુમાન . 

બલવીર હનુમાનજીમાં વાયુ જેવી પ્રચંડ શક્તિ હતી . 

"નાયમાત્મા બલહીનેન લભ્ય:

આત્માની, ઈશ્વરની, રામની પ્રાપ્તિ નિર્બળ કરી શકતો નથી .તેની પ્રાપ્તિ માટે બધા બળની સાથે શરીરબળ પણ તેટલું જ આવશ્યક છે એની પ્રતીતિ હનુમાનજી કરાવે છે .

પવનપુત્ર હનુમાનમાં પવન જેવા જ ગુણો  હતા . પવન સૌને સુલભ છે . જેમ પવનમાં પ્રાણવાયુ સમાયેલો છે તેમ હનુમાનજી પણ આપણા વહાલા અને સૌને સુલભ છે .એમની સ્તુતિ માત્ર આપણામાં ચૈતન્ય પ્રદાન કરે છે .

હનુમાનજીનો સૌથી શ્રેષ્ઠ ગુણ એટલે રામ તરફની એમની અનન્ય ભક્તિ . રામકથા, રામસ્તુતિ શ્રી હનુમાનના પરાક્રમ વગર અધૂરી છે . શ્રી હનુમાનના એક એક ઉપકાર માટે શ્રી રામ પોતાને એમના ઋણી માને છે . 

એક ભક્ત કવિએ કહ્યું છે કે "જગતમાં એક જ જન્મ્યો એ કે જેણે રામને ઋણી રાખ્યા".

રામની ભક્તિ કરી, રામનો દાસ બની, રામનો થઈ, હનુમાન રામરૂપ થઇ ગયા . રામને હનુમાનનું કામ સુંદર લાગ્યું, જીવન સુંદર લાગ્યું એટલે જ રામે હનુમાનજીને "પુરુષોત્તમ" ની પદવી આપી .

ધન્ય એ હનુમાનને કે જે વાનર હોવા છતાં પણ જેને પ્રભુ શ્રીરામે સ્વમુખેથી "તુમ મમ પ્રિય ભરતહી સમ ભાઈ" કહ્યું અને પોતાના હૃદયમાં સ્થાન આપ્યું .

શ્રી હનુમાન પાસેથી આજે આપણે આ "દાસ્ય-ભક્તિ" શીખવાની છે .

મારા ગુરુ શ્રી અનિરુદ્ધરામને એમના કાર્યમાં મદદ કરી આજે આપણે "વાનરસૈનિક" થવાનું છે .

રામરાજ્ય 2025 તો આવીને જ રહેશે .

આ હનુમાન જયંતીના શુભ પાવન અવસરે હું મારા ગુરુ "મારા બાપુ"ને પ્રાર્થના કરું છું કે અમને તમારા દાસના દાસ બનાવો . શ્રી હનુમાન જેવી નિષ્ઠા અને ચારિત્ર્યશુદ્ધિ, આત્મબળ અને પ્રચંડ વિશ્વાસ આપો .

આપના કાર્યમાં સહભાગી બનવાનું બળ આપો .

આપની સફરના આ અનંત કાર્યમાં આપની કૃપાદ્રષ્ટિ અને અમીદ્રષ્ટિની પ્રતીક્ષામાં આપના વહાલા બાળકો .




શ્રી રામ 
અંબજ્ઞ
     અનિરુદ્ધજ્ઞ    
 
 
 
 
 

No comments:

Post a Comment