Wednesday 24 April 2013

શ્રી હનુમાન જયંતિ




 હરિઓમ 

 ચૈત્ર સુદપૂર્ણિમા "શ્રી હનુમાનજી" નો જન્મ દિવસ .

"અશ્વત્થામા, બલિ, વ્યાસ, વિભીષણ, કૃપ, પરશુરામ  અને હનુમાન એ સાત ચિરંજીવીઓ છે ".

શ્રી હનુમાન ભારતીય હિંદુઓના હૃદયમાં રામ જેટલું જ આસ્થાયુકત અને આદરણીય સ્થાન ધરાવે છે . 

શંકરનું શિવાલય જેમ નંદી સિવાય હોતું નથી તેજ પ્રમાણે શ્રી રામના દેવાલયની પૂર્ણતા હનુમાનની મૂર્તિ સિવાય થતી નથી .

ભક્ત એટલે જે વિભક્ત (છૂટો) નથી તે . ભક્ત એટલે જોડાયેલો .

જે પ્રભુની સાથે જોડાયેલો છે. જેના હોઠો પર પ્રભુ રામનું "નામ" છે, જેનું હૃદય પ્રભુ રામનું "ધામ" છે અને જેના હાથોમાં પ્રભુ રામનું "કામ" છે એવા શ્રી હનુમાન સતત પ્રભુ રામ સાથે જોડાયેલ છે .

શૌર્ય, દક્ષતા, બળ, ધીરજ, વિદ્વત્તા, રાજનીતિનું સાધન અને પરાક્રમ પ્રભાવ આ ગુણો હનુમાનમાં વાસ કરી રહ્યા છે . આ ઉપરાંત આંતરિક છ શત્રુઓ કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર પર પણ તેમણે વિજય મેળવ્યો હતો . 

ભગવાન રામ જેવો ખજાનો "રામ રતન ધન" જેને પ્રાપ્ત થયો હોય તેને પછી દુન્યવી સુખ સંપત્તિનો લોભ ક્યાંથી રહે ? પોતે જે કઈ કર્યું છે તે રામની શક્તિને લીધે જ થયું છે એવી અંતઃકરણની ભાવના હોય ત્યાં મદ અને અભિમાન ક્યાંથી સંભવે ?

માટે જ શ્રી હનુમાન જયંતિ ઉજવાય છે કારણકે હનુમાનજીએ આંતરબાહ્ય શત્રુઓ પર "જય" મેળવ્યો છે . 

રામની સમીપ પહોંચવા, રામના દૂત હનુમાનને શરણે જવાની જરૂર છે . રામના વિશાળ હૃદયનું "દ્વાર" છે હનુમાન . રામ સુધી પહોંચવા માટે હનુમાન "સેતુ" સમાન છે .


"સેતુ"ના સહારા વગર રામરૂપી ધ્યેય સિદ્ધ કરી શકાય તેમ નથી . શ્રી રામના અમૂલ્ય જીવન ભંડારમાંના ગુણરત્નો  પામવા માટેની ચાવી છે હનુમાન . 

બલવીર હનુમાનજીમાં વાયુ જેવી પ્રચંડ શક્તિ હતી . 

"નાયમાત્મા બલહીનેન લભ્ય:

આત્માની, ઈશ્વરની, રામની પ્રાપ્તિ નિર્બળ કરી શકતો નથી .તેની પ્રાપ્તિ માટે બધા બળની સાથે શરીરબળ પણ તેટલું જ આવશ્યક છે એની પ્રતીતિ હનુમાનજી કરાવે છે .

પવનપુત્ર હનુમાનમાં પવન જેવા જ ગુણો  હતા . પવન સૌને સુલભ છે . જેમ પવનમાં પ્રાણવાયુ સમાયેલો છે તેમ હનુમાનજી પણ આપણા વહાલા અને સૌને સુલભ છે .એમની સ્તુતિ માત્ર આપણામાં ચૈતન્ય પ્રદાન કરે છે .

હનુમાનજીનો સૌથી શ્રેષ્ઠ ગુણ એટલે રામ તરફની એમની અનન્ય ભક્તિ . રામકથા, રામસ્તુતિ શ્રી હનુમાનના પરાક્રમ વગર અધૂરી છે . શ્રી હનુમાનના એક એક ઉપકાર માટે શ્રી રામ પોતાને એમના ઋણી માને છે . 

એક ભક્ત કવિએ કહ્યું છે કે "જગતમાં એક જ જન્મ્યો એ કે જેણે રામને ઋણી રાખ્યા".

રામની ભક્તિ કરી, રામનો દાસ બની, રામનો થઈ, હનુમાન રામરૂપ થઇ ગયા . રામને હનુમાનનું કામ સુંદર લાગ્યું, જીવન સુંદર લાગ્યું એટલે જ રામે હનુમાનજીને "પુરુષોત્તમ" ની પદવી આપી .

ધન્ય એ હનુમાનને કે જે વાનર હોવા છતાં પણ જેને પ્રભુ શ્રીરામે સ્વમુખેથી "તુમ મમ પ્રિય ભરતહી સમ ભાઈ" કહ્યું અને પોતાના હૃદયમાં સ્થાન આપ્યું .

શ્રી હનુમાન પાસેથી આજે આપણે આ "દાસ્ય-ભક્તિ" શીખવાની છે .

મારા ગુરુ શ્રી અનિરુદ્ધરામને એમના કાર્યમાં મદદ કરી આજે આપણે "વાનરસૈનિક" થવાનું છે .

રામરાજ્ય 2025 તો આવીને જ રહેશે .

આ હનુમાન જયંતીના શુભ પાવન અવસરે હું મારા ગુરુ "મારા બાપુ"ને પ્રાર્થના કરું છું કે અમને તમારા દાસના દાસ બનાવો . શ્રી હનુમાન જેવી નિષ્ઠા અને ચારિત્ર્યશુદ્ધિ, આત્મબળ અને પ્રચંડ વિશ્વાસ આપો .

આપના કાર્યમાં સહભાગી બનવાનું બળ આપો .

આપની સફરના આ અનંત કાર્યમાં આપની કૃપાદ્રષ્ટિ અને અમીદ્રષ્ટિની પ્રતીક્ષામાં આપના વહાલા બાળકો .




શ્રી રામ 
અંબજ્ઞ
     અનિરુદ્ધજ્ઞ    
 
 
 
 
 

Wednesday 17 April 2013

રામ નવમી





ચૈત્ર સુદ નવમી હિંદુઓના, ભારતની જનતાના હૃદયના સમ્રાટ શ્રી રામનો પ્રાકટ્ય દિન .

રામ એ ભારતીય સંસ્કૃતિનું "પ્રાણકેન્દ્ર" છે . 

ભારતના લોકો માટે રામ એ ફક્ત અક્ષરો નથી, નામ નથી પણ "આસ્થા" છે . રામ એ સાક્ષાત ઈશ્વર છે .રામ શબ્દ નામ જેટલું જ સરળ એમનું જીવન હતું . એક આદર્શ પુત્ર, એક આદર્શ ભાઈ, આદર્શ પતિ અને છેવટે આપણા તારણહાર "શ્રી રામ" . 

"આપણા માટે પૃથ્વી પર માનવ બનીને અવતરેલા ભગવાન શ્રી રામ".

ધર્મમાં તત્પરતા, વાણીમાં મધુરતા, દાનમાં ઉત્સાહ, મિત્ર સાથે નિષ્કપટતા, ગુરુજનો પ્રત્યે નમ્રતા, ચિત્તમાં અતિ ગંભીરતા, આચારમાં પવિત્રતા, ગુણોમાં રસિકતા, શાસ્ત્રોમાં નિપુણતા, રૂપમાં સુંદરતા અને સરળ હૃદયી, એક પત્નીવ્રત નિષ્ઠાવાન એવા "રાજા રામ" એમનો મહિમા જ અપાર છે, અનંત છે .

માનવ ઉચ્ચ ધ્યેય અને આદર્શ રાખી મહાન શી રીતે થઇ શકે તે રામે પોતાના જીવન દ્વારા સ્થાપિત કર્યું છે . 

વિચારોમાં અને વ્યવહારિક કાર્યોમાં માનવીય મર્યાદાઓ સ્વીકારીને વામનમાંથી વિરાટ, માનવમાંથી મહામાનવ, પુરુષમાંથી પુરુષોત્તમ શી રીતે થવાય તે રામે તેમના જીવન દ્વારા સમજાવ્યું છે . તેથી જ તેઓ "મર્યાદા પુરુષોત્તમ"  કહેવાય છે .

રામનો જન્મ બપોરના 12:00 વાગ્યે  થાય છે . જીવન અને જગત જયારે આધિ, વ્યાધિ અને ઉપાધિના પ્રખર તાપથી તપ્ત થઇ જાય છે ત્યારે  તેમને શાંતિ અને  સુખ આપવા પ્રેમ, પાવિત્ર્ય અને પ્રસન્નતાના શીતળ ચંદ્ર સમાન એવા પ્રભુ શ્રી રામ અવતરે છે .

શ્રી રામના જીવનદર્શનમાંથી  દરેકે દરેક ગુણ આત્મસાત જો કરી શકાય તો આજે પણ "રામરાજ્ય" આવી શકે છે .

મારા ગુરુ શ્રી અનિરુદ્ધ બાપુ આજે સાક્ષાત શ્રી રામના માનવીય ગુણો  પ્રમાણે જ જીવે છે અને આપણને શીખડાવે છે કે માનવીય મર્યાદા હોવા છતાં શ્રી રામ આજે પણ લોકોમાં પ્રેમથી "ભગવાન રામ" તરીકે પુજાયા છે . 

મારા બાપુ આજે પણ શ્રી રામજન્મની ઉજવણી કરીને આપણી આંખો સમક્ષ તે સમયની શ્રી રામદર્શનની ઝાંખી કરાવે છે .

રામરાજ્ય લાવવાનું મારા બાપુનું સ્વપ્નું જે હવે 2025 માં સાકાર થવાનું છે તેને માટે આપણો સાથ-સહકાર, ભાવ, પ્રેમ, શ્રદ્ધા અને સમય, શક્તિ આપી તેમના હમસફર બનીએ .

મારા ગુરુ શ્રી અનિરુદ્ધરામને શ્રદ્ધારૂપી આ પુષ્પ તેમના ચરણોમાં હું અર્પણ કરું છું . 








શ્રી રામ 
અંબજ્ઞ 
અનિરુદ્ધજ્ઞ  


 
 
 

Sunday 7 April 2013

ગુડી પડવો

II  "હરિ ઓમ " II 


ચૈત્ર સુદ પ્રતિપદાને મહારાષ્ટ્રમાં "ગુડી પડવો " કહે છે . 

વર્ષના સાડા  ત્રણ શુભ મુહૂર્તોમાં ગુડી પડવાની ગણતરી થાય છે .

આ દિવસે લીમડા ના રસનું પાન કરવામાં આવે છે .

ઘરના આંગણાંમાં જે ગુડી ચડાવવામાં આવે છે તે વિજયનો સંદેશ આપે છે .

ગુડી એટલે "વિજય પતાકા". 

"ભોગ પર યોગનો વિજય, વૈભવ પર વિભૂતિનો વિજય ને વિકાર પર વિચારનો વિજય ". 

ગુડીનું દર્શન પ્રત્યેકને આશ્વાસન આપે છે . 

"તું પણ અસત્ તરફથી સત્ તરફ જઈ  શકે છે , તું પણ દુર્ગુણો તરફથી સદગુણો તરફ જઈ શકે છે . 

"  તારામા એ શક્તિ અને સામર્થ્ય પ્રભુએ ઠસોઠસ ભરેલા છે ."

આ દિવસે ઘરની સર્વ સંપત્તિ દેવ ગૃહમાં પ્રભુના પગ પાસે  મુકવામાં આવે છે . આ રિવાજ ઈશ્વરાર્પણ બુદ્ધિનો ભાવ આપે છે . જે કંઈ સંપત્તિ, ધન, વૈભવ કે ઐશ્વર્ય પ્રભુએ મને આપ્યું છે એ પ્રભુને ચરણે ધરી પ્રસાદ રૂપે, ભક્તિની ભાવનાથી તેનો સ્વીકાર કરવાનો હેતુ હોય છે .

મળેલું જીવન એ પ્રભુ નો પ્રસાદ છે અને મળેલો વૈભવ એ પ્રભુની કૃપા છે એ જ ભાવના આ મંગલ  દિને દ્રઢ કરતા રહેવાની .

આ ગુડીપડવાનું શ્રેય હું મારા ગુરુ શ્રી અનિરુદ્ધ બાપુને અર્પણ કરું છું . 

શ્રી રામ 
અંબજ્ઞ 

Saturday 23 March 2013

અનંતની પ્રતીક્ષા




 "અનંતની  પ્રતીક્ષા"

અ = અનિરુદ્ધ
નં =  નંદા 
ત = સુચિત 

 જેની સદાકાળ, સર્વને નિરંતર પ્રતીક્ષા રહે છે એ "અનંત ".

દુનિયામાં  એકમાત્ર  આ સાથ "અનંતનો  સાથ" જેનો કદી અંત નથી , 
આપણી રક્ષા કરશે, આપણી સાથે  રહેશે .

બાપુ = આપણું સૌથી વ્હાલું - લાડકું નામ .

બાપુ નામ બોલતા જ મનમાં એક કરુણાવત્સલ, મમતામયી પ્રેમળ આંખો 
આપણી નજર સામે તરી આવે .

એક જ પ્રાર્થના આ "અનંત-ત્રયી" ને ...
"નાનકડો હું બાળ છું તારો, સ્નેહથી તું સંભાળે, 
                        કરુણાભીની આંખો તારી, પળ પળ મુજને નિહાળે ."

આપણે  આ રીતે મળતા રહીશું ને બાપુનો અમીરસ લેતા રહીશું .

"શ્રી રામ"
"અનિરુદ્ધજ્ઞ"